પ્રેમ શું કર્યો એણે – Delhi Poetry Slam

પ્રેમ શું કર્યો એણે

By Tushar Mehta

પ્રેમ શું કર્યો એણે
અને એ ચર્ચામાં ચડતો થઈ ગયો,
બોલ્યા વિના જ એ જાણે
બધે પડઘો થઈ ગયો।

પ્રેમ ન હતો કાચો
તોય સાબિત કરવામાં એ અડધો થઈ ગયો,
બોલ્યા વિના જ એ જાણે
બધે પડઘો થઈ ગયો।

સમજાવી, પટાવી, મનાવી
એણે બહુ બધી એની લાગણીઓને,
દીવાની જેમ પ્રગટાવી
સવાર-સાંજ એની લાગણીઓને।

પહોંચ્યો પણ નહીં એનો પ્રકાશ
સજની સુધી,
અને એ દીવાની જેમ
બળતો થઈ ગયો।

પ્રેમ શું કર્યો એણે
અને એ ચર્ચામાં ચડતો થઈ ગયો।

લાગણીઓના એ દીવડા
શું નડ્યા હશે એની સજનીને?
પલક બંધ કરી
કેમ ફેલાવ્યું હશે અંધારું એની સજનીએ?

ઉજાસ લાવવા એની જિંદગીમાં
એ બળીને ભડકો થઈ ગયો।
પ્રેમ શું કર્યો એણે
અને એ ચર્ચામાં ચડતો થઈ ગયો।

મૃગજળ જેવો સજનીનો પ્રેમ,
છતાંય દોડ્યા જ કર્યું એણે।
ધીમું ઝેર હતું એ
જે અમીરસ સમજીને પીધા કર્યું એણે।

ક્યારેક તો મળશે સજની એને—
એ સપનું સીવ્યા કર્યું એણે।
નીલકંઠ તો બન્યો નહીં એ
અને છેલ્લા શ્વાસ ગણતો થઈ ગયો।

પ્રેમ શું કર્યો એણે
અને એ ચર્ચામાં ચડતો થઈ ગયો।

થાક્યું એનું મન
અને થાક્યા પગ,
એને દોડતા પણ ના આવડ્યું।
સાંજે સાત અને તૂટે તેર
એને જોડતા પણ ના આવ્યું।

સફળતાના શિખરે પહોંચવા જ આવ્યો હતો
અને ત્યાં તો એ પડતો થઈ ગયો।
પ્રેમ શું કર્યો એણે
અને એ ચર્ચામાં ચડતો થઈ ગયો।

પહોંચશે એનો પ્રેમ મુકામ સુધી—
હતો વિશ્વાસ, જશે અંજામ સુધી।
સપના અને હકીકતનો
જાણે ઝઘડો થઈ ગયો।
બોલ્યા વિના જ એ
બધે પડઘો થઈ ગયો।

ક્યારેક હસતા રમતા,
તો ક્યારેક વાતો કરતા।
નિભાવ્યા બધા કિરદાર એણે હસતા હસતા।
છેક સુધી ટક્યો કલાકાર એ
અવ્વલ નંબરનો।
પત્યો નાટકનો અંશ
અને કફનનો પડદો થઈ ગયો।

પ્રેમ શું કર્યો એણે
અને એ ચર્ચામાં ચડતો થઈ ગયો।


Leave a comment