By Suresh Parmar

નહિ મળું ઘરમાં કે ઘરના આંગણામાં નહિ મળું;
હું તને તારી કોઈ પણ ધારણામાં નહિ મળું.
એક શિલ્પીના હ્રદયમાં કોતરાતું શિલ્પ છું;
દોસ્ત હું છીણી-હથોડી-ટાંકણામાં નહિ મળું.
જામમાં પડતાંની સાથે આવું બોલી ગઈ શરાબ:
"મેં તને નહોતું કહ્યું કે ઢાંકણામાં નહિ મળું?"
આજ 'ને હમણાંજ મળવું હોય તો ઉપલબ્ધ છું;
કાલ હું પોતે જ મારા બેસણામાં નહિ મળું.
'સૂર' છું,ભડભડઅવાજે ચેહમાં સંભળાઉં પણ;
ભેજને વળગી રહેલાં ઇંધણાંમાં નહિ મળું.