બા-દાદા ની યાદ લાવી... – Delhi Poetry Slam

બા-દાદા ની યાદ લાવી...

By Madhuri Khunt

ફરી એક રાત આવી ને 
બા-દાદાની યાદ લાવી

દાદા એ સફેદ મજાની ટોપી પેહરી 
તો બાએ તેની બદામી સાડી પેહરી 

દાદા સાયકલ લઇ શેરીમાં ટ્રીન-ટ્રીન વગાડે 
તો બા રસોડા માં ખીચડી ની સી-સી કરતી સીટી વગાડે 

દાદા ૨ રૂપિયા વાળા ભૂંગળા અપાવે 
તો બા ભાગમાં મમરા તો ચેવડો વઘારે 

ફરી એક રાત આવી ને 
બા-દાદાની યાદ લાવી

દાદા જીંજરા ફોલી નાની ડબ્બી ભરી દે 
તો બા કેરી નું ઘોરવું કરી ખવડાવી દે 

દાદા બહાર જાય તો તેની સાથે લઇ જાય 
તો બા ઘરે ઇષ્ટો રમવા બે ઘડી નવરા થાય 

દાદા 'ટીનુ-ટીનુ' કરતા ક્યારેક નામ ભૂલી જાય 
તો બા ઓસરીએ બેસી મારી વાતો સાંભળતા જાય 

આજે બા-દાદા પાસે નથી તો એક અફસોસ થાય 
કે કાશ બા-દાદા સાથે વિતાવેલી તે પળો તાજી થાય

ફરી એક રાત આવી ને 
બા દાદાની યાદ લાવી...


Leave a comment