ઈશારે ચડી ગયા – Delhi Poetry Slam

ઈશારે ચડી ગયા

By Dr. Harish Thakkar

અમથા અમે જરાક ઈશારે ચડી ગયા,
એના હૃદયના રંગ તો ગાલે ચડી ગયા!

એની નજરમાં આવવા વાચાળ જો થયા,
એમાં તો કઈકની અમે આંખે ચડી ગયા!

કરતો હતો હું વાતને બહેલાવીને જરા,
કિસ્સા કોઈના કોઈને નામે ચડી ગયા!

રમતું હતું સવારનું અજવાળુ આંગણે,
તડકા જુવાન શું થયા, માથે ચડી ગયા!

પૃથ્વીને મન રમત હશે, ફરતી રહે સતત;
અમથા દિવસ ને રાત રવાડે ચડી ગયા!

ક્યાંથી વિચાર આવે છે? ક્યાં જાય છે વિચાર?
એવું વિચારવામાં વિચારે ચડી ગયા!


Leave a comment