By Dharmanshu Vaidya

ઓ માડી હજી તો પહેલો દિવસ,
મને ઓરડામાં પુરી ના નાખો;
થાળી ને વાટકી જુદી આપીને મને,
દૂર હડસેલી ના નાંખો.
સદીઓનો લાવારસ મહિનામાં એકવાર,
કેદીની માફક બહાર આવે;
એવી તે કેવી તને જૂનેરી બીક ?
હજી આભળછેટથી એને બાંધે.
ઓ માડી આ તો ધગધગતી આગ,
એને શ્રદ્ધાનો પ્રાણવાયુ આપો.
થાળીને વાટકી....
ક્યાં સુધી મારે ત્રણ દિવસે અડવાની,
પોકળ ચોખ્ખાઈને માનવી ?
મંદિરમાં પૂજાની દીવેટ વણવા
પાંચ દિવસની ટેક કેમ પાળવી ?
ઓ માડી આ લોહીમાં તો ઊગવાની આશ,
એને હૂંફનો તડકો તો આપો.
થાળીને વાટકી.....