By Heer Nimavat
માર પરભુને ફૂટી નારંગી પાંખ
અમાર કેવા કેવા તે સદભાગ
કે માર પરભુને ફૂટી નારંગી પાંખ
પેલા તો આસમાની આભમાં
હતા તદ્દન આભલા
રામ મારા હતા અંગ રામના
હવે ધજાયુંમાં બાંધેલા
ને પોસ્ટરમાં કાઢેલા
માર પરભુ કોઈના ઉગતા સૂરજ સાથે
કોઈના કેસરી આભે ચગાવેલા
તે પછી આ સબરીની ઝુપડીથી ખેંચાતી આંખ
આ જો ને, માર પરભુ ને ફૂટી નારંગી પાંખ
હવાઓમાં લદાયો કરફ્યુ
પુષ્પક વિમાનને પણ ફરકવાની બીક
"રથ રાજ્ય સભા થી નીકળી ગયો છે!"
આ શું? વાનરસેનાને માનવી જીભ!
મારી શ્રદ્ધાને જન્મ્યું નવલું બર્થ સર્ટિફિકેટ
ઈતિહાસ, કાઢ દૂરબીન કાઢ!
ચકલી ઉડે
ને ઉડે માર રામ
હવે દૂર એટલા કે પરભુ પરખાઈ નહીં
કેસરી ખરા પણ મારા દેખાય નહીં
બસ ખબર એટલી કે
નારંગી દેશના નારંગી પ્રચારક
નારંગી સ્વર્ગ અને નારંગી નરક
નારંગી સ્યાહી થી
બચતી મારી કલમ
રામ નારંગી આભમાં
માર ખભે નારંગી ચરક